Press "Enter" to skip to content

આવનારા ૫ વર્ષ વડોદરાના છે! પણ શું જનતાનો રોષ ઠરશે?

આવનારા ૫ વર્ષ વડોદરાના છે! પણ શું જનતાનો રોષ ઠરશે?

વડોદરાના ‘ઉકળાટ’ પર મુખ્યમંત્રીનો ઠંડો છંટકાવ!

 

વડોદરામાં ચૂંટણીનો પારો અત્યારે ઉનાળાના તાપ કરતાં પણ વધુ ગરમ છે! ચૂંટણીના અંતિમ દિવસોમાં સંસ્કારી નગરીનું રાજકીય તાપમાન અત્યારે ચરમસીમાએ છે.એકતરફ ભાજપના ઉમેદવારોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે તો બીજીતરફ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં ઉતર્યા છે ‘ડેમેજ કંટ્રોલ’ કરવા માટે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના આ ‘રાજકીય ઉકળાટ’ને શાંત કરવા જે રીતે નિવેદન આપ્યું હોવાનું પણ મનાય છે,

— શેઠની શિખામણ ઝાંપા સુધી” કે પછી નવો રોડમેપ?

મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતા એક મોટું નિવેદન આપ્યું છે કે ‘આવનારા ૫ વર્ષ વડોદરાના છે!’ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ભાજપ સામે જે વિરોધની લહેર ઉઠી છે તેના પર CMએ હળવાશથી પણ મર્મભરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ‘સાચી રજૂઆત હોય તો કામ કરવું ખોટું હોય તો ન કરવું પણ લોકોને સંભાળવાના! બીજી તરફ વડોદરાના લોકો પણ કહી રહ્યા છે કે ગત ૫ વર્ષમાં જ્યારે મુખ્યમંત્રીએ વારંવાર સ્થાનિક સત્તાધીશોને ટકોર કરી હતી ત્યારે કામ કેમ ન થયું? શું આ વખતે પણ આ શિખામણ માત્ર ચૂંટણી સુધી જ મર્યાદિત રહેશે?

— ‘આંતરિક જૂથબંધી’ વિકાસની ગતિમાં રોડો?

વડોદરા ભાજપમાં ચાલતી લાંબા સમયની આંતરિક લડાઈ અને ખેંચતાણે શહેરના વિકાસની ગતિને રૂંધી હોવાની ચર્ચા જગજાહેર છે.આંતરિક વિખવાદના કારણે જે પ્રશ્નો ઉકેલાવા જોઈતા હતા તે જૈસે-થે રહ્યા હોવાનું કહેવાય છે પરિણામે આજે ઉમેદવારો જ્યારે મતો માંગવા જાય છે ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સવાલ એ પણ છે કે શું મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલું આશ્વાસન વડોદરાના મતદારોના ગુસ્સાને શાંત કરી શકશે?

— હવે સવાલ ‘હિસાબ’નો છે!

મુખ્યમંત્રીએ ભલે ૫ વર્ષનો વાયદો કર્યો હોય પણ વડોદરાના મતદારો અત્યારે ગત વર્ષોનો હિસાબ માંગી રહ્યા છે.રસ્તાના ખાડા, પાણીની સમસ્યા અને આંતરિક જૂથબંધીથી કંટાળેલી જનતા શું મુખ્યમંત્રીના શબ્દો પર વિશ્વાસ મૂકશે? શું ભાજપ પોતાના આંતરિક વિવાદોને ભૂલીને વડોદરા માટે ખરેખર કંઈક નવું કરશે? રાજકારણમાં આશ્વાસનો અને વાયદાઓનો દૌર હંમેશા ચૂંટણી ટાણે તેજ બને છે. મુખ્યમંત્રીની ‘મૃદુ અને મક્કમ’ શૈલી વડોદરાના આક્રોશને કેટલો ઠારી શકે છે તે તો ૨૬ એપ્રિલે મતદાન પેટીમાં જ ખબર પડશે!

તમને શું લાગે છે મુખ્યમંત્રીના “આવનારા ૫ વર્ષ વડોદરાના” વાયદા પર તમને વિશ્વાસ છે? તમારા વિસ્તારમાં ઉમેદવાર પ્રચાર માટે આવે ત્યારે તમે કયો મુખ્ય સવાલ પૂછશો? કોમેન્ટમાં જણાવો!

error: Content is protected !!