સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં થયો તોતિંગ વધારો!
સવારનો સમય…ઘરમાં બાળકોને સ્કૂલે મોકલવાની ઉતાવળ, ટિફિન બનાવવાની દોડધામ અને આ બધા વચ્ચે મહિનાના બજેટનું ગણિત માંડતો એક મધ્યમવર્ગીય પરિવાર! નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એટલે નવા પુસ્તકો,નવા યુનિફોર્મ અને સ્કૂલની તોતિંગ ફીનો બોજ તો હોય જ છે પરંતુ હવે આ બોજમાં વધુ એક મોટો આંચકો ઉમેરાયો છે.
તમારા બાળકને રોજ સવારે હસતા મુખે સ્કૂલે લઈ જતી ‘સ્કૂલ વર્ધી’ વાન હવે મોંઘી થઈ ગઈ છે.રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડામાં સીધો વધારો ઝીંકી દીધો છે.
— શા માટે થયો આ અચાનક ભાવ વધારો?
આપણે હંમેશા એક તરફી વિચારતા હોઈએ છીએ પણ સિક્કાની બીજી બાજુ પણ સમજવી જરૂરી છે.છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની સાથે-સાથે CNG ના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે.એક સમય હતો જ્યારે CNG સસ્તું ઇંધણ મનાતું હતું પરંતુ આજે તેનો ભાવ પેટ્રોલ-ડીઝલની સમકક્ષ પહોંચવાની તૈયારીમાં છે.આ વધતા ભાવોએ માત્ર વાલીઓને જ નહીં પણ સ્કૂલ વર્ધી ચલાવતા સંચાલકો અને ડ્રાઇવરોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. હાલના CNG ના ઊંચા ભાવ સાથે જૂના ભાડામાં રિક્ષા કે વાન ચલાવવી તેમના માટે આર્થિક રીતે પરવડે તેમ નહોતું.આ જ મુંઝવણનો ઉકેલ લાવવા માટે આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની એક અત્યંત મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.
— ૨૦૨૭ સુધી ભાવ ન વધારવાનું વચન કેમ તૂટ્યું?
એક સમયરેખા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૪ માં સ્કૂલ વર્ધીના ભાડામાં ૨૦૦ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો તે સમયે એસોસિએશને વાલીઓની સ્થિતિ સમજીને એવો નિયમ બનાવ્યો હતો કે દર ત્રણ વર્ષે જ ભાડામાં વધારો કરવો એટલે કે નવો વધારો છેક ૨૦૨૭ માં થવાનો હતો.તો પછી અત્યારે કેમ? કારણ સ્પષ્ટ છે એશોસિયેશનનું માનવું છે ‘ઇંધણનો બેફામ ભાવ વધારો’. જ્યારે ૧૧ જૂન ૨૦૨૪ ના રોજ ભાડું વધારવામાં આવ્યું, ત્યારે બજારમાં CNG નો ભાવ ૭૬ રૂપિયા હતો આજે એ જ CNG નો ભાવ કૂદકે ને ભૂસકે વધીને ૮૮ રૂપિયા પર પહોંચી ગયો છે! અંદાજે ૧૨ રૂપિયાના આ સીધા ઉછાળાએ એસોસિએશનને પોતાનો નિયમ તોડવા અને અકાળે મીટીંગ બોલાવવા મજબૂર કરી દીધા.
— કેટલો વધારો અને હવે નવું ભાડું શું હશે?
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં રાજ્યભરના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.લાંબી ચર્ચા-વિચારણા અને ગણતરીઓ બાદ અંતે ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે.
નવા રેટ કાર્ડ મુજબ: સ્કૂલ રિક્ષાના ભાડામાં ૧૦૦ રૂપિયાનો વધારો.
સ્કૂલ વાન (મારુતિ વાન) ના ભાડામાં: ૨૦૦ રૂપિયાનો વધારો.
પ્રતિ કિલોમીટર વધારો: અંતર મુજબ અલગથી ચાર્જ લાગુ પડશે.
— જાણો તમારું નવું બજેટ:
સ્કૂલ રિક્ષા: જે વાલીઓ અત્યાર સુધી ૭૫૦ રૂપિયા ચૂકવતા હતા, તેમણે હવે દર મહિને ૮૫૦ રૂપિયા ચૂકવવા પડશે.આ સાથે પ્રતિ કિલોમીટરે ૧૦૦ રૂપિયા વધારો પણ…
સ્કૂલ વાન: જે વાલીઓ અત્યાર સુધી ૧૨૦૦ રૂપિયા ચૂકવતા હતા તેમણે હવે દર મહિને ૧૪૦૦ રૂપિયા ચૂકવવા પડશે.આ સાથે પ્રતિ કિલોમીટરે ૨૦૦ રૂપિયા વધારો પણ
— એસોસિએશનનું શું કહેવું છે?
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આ નિર્ણય પાછળની મજબૂરીનો નિર્ણય ગણાવ્યો છે CNG ૭૬ રૂપિયા હતું જે અત્યારે ૮૮ રૂપિયા થઈ ગયું છે. અમે વાલીઓની મુશ્કેલી સમજીએ છીએ પરંતુ આટલા મોંઘા ઈંધણમાં જૂના ભાવે વાહનો ચલાવવી વર્ધી સંચાલકો માટે શક્ય જ નહોતું. જેથી અનિચ્છાએ પણ ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનું એશો.માને છે,
— છેવટે પીસાવાનો વારો કોનો?
સ્કૂલ ફીનો તોતિંગ વધારો, પુસ્તકો-યુનિફોર્મ પાછળ થતો મોટો ખર્ચ અને હવે વાહન ભાડામાં થયેલો આ નવો વધારો…આ બધી જ પરિસ્થિતિનો અંતિમ ભાર એક સામાન્ય અને મધ્યમવર્ગીય વાલીના ખભા પર જ આવે છે. ઈંધણના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટ મોંઘુ થાય અને ટ્રાન્સપોર્ટ મોંઘુ થાય એટલે સામાન્ય માણસનું બજેટ ખોરવાય. આ એક એવું ચક્ર છે જેમાં છેવટે પીસાવાનો વારો સામાન્ય જનતાનો જ આવે છે.
તમારા ઘરના બજેટમાં આ વધારાની કેટલી અસર થશે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.






