સુરત SBI લૂંટનો ‘ફિલ્મી’ પર્દાફાશ: જેલમાંથી રચા્યું હતું 50 લાખની લૂંટનું ષડયંત્ર, 1500 KM દૂર અયોધ્યાના આશ્રમથી ઝડપાયા આતંકી જેવા લૂંટારૂઓ!
સુરત: ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી સનસનાટીભરી 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એવો ખુલાસો કર્યો છે જે કોઈ બોલિવૂડ ક્રાઈમ થ્રિલર મૂવીથી ઓછો નથી. 1500 કિલોમીટરનો પીછો, 1000 CCTV કેમેરાનું સ્કેનિંગ અને જેલમાંથી ઓપરેટ થતું આંતરરાજ્ય નેટવર્ક – આ લૂંટ પાછળ બિહારની કુખ્યાત ‘કુંદન ભગત ગેંગ’નો હાથ હોવાનું સામે આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ જેલમાં, પણ નેટવર્ક હવામાં!
તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટનો અસલી માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત છે, જે હાલ પટનાની આદર્શ સેન્ટ્રલ જેલ (બેઉર) માં બંધ છે. જેલમાં હોવા છતાં એક ખાસ એપ્લિકેશન દ્વારા તે બહાર પોતાની ગેંગના સંપર્કમાં હતો અને સુરતની બેંક લૂંટવા માટે પળેપળની સૂચનાઓ આપતો હતો. જણાવી દઈએ કે કુંદન અગાઉ દેહરાદૂનમાં થયેલી 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટનો પણ મુખ્ય સૂત્રધાર છે.
લૂંટ માટે ‘સુરત મનપા ચૂંટણી’નો સમય કેમ પસંદ કર્યો?
લૂંટારૂઓ અત્યંત પ્રોફેશનલ હતા. તેઓએ સુરતની 10 બેંકોની રેકી કરી હતી. વરાછાની SBI શાખા પસંદ કરવા પાછળ બે મુખ્ય કારણો હતા:
મેટ્રો કન્સ્ટ્રક્શન: મેટ્રોના કામને કારણે ટ્રાફિક ઓછો હોવાથી ભાગવામાં સરળતા રહે.
ચૂંટણીનો માહોલ: 26 એપ્રિલે સુરત મનપાની ચૂંટણી હતી. લૂંટારૂઓએ જાણતા હતા કે ચૂંટણીના બીજા દિવસે એટલે કે 27 એપ્રિલે પોલીસ ફોર્સ ફિલ્ડ પર ઓછી અને થાકેલી હશે. બરાબર એ જ સમયે તેઓએ ત્રાટકવાનો પ્લાન બનાવ્યો.
નકલી આધારકાર્ડ અને 40 મિનિટનો ‘વેઈટિંગ પીરિયડ’
આરોપીઓએ સુરતમાં જહાંગીરપુરા અને રાંદેર જેવા વિસ્તારોમાં નકલી આધારકાર્ડ આપીને મકાનો ભાડે રાખ્યા હતા. લૂંટના દિવસે તેઓ બેંકમાં 40 મિનિટ પહેલા ઘૂસી ગયા હતા અને સામાન્ય ગ્રાહકની જેમ વર્તીને દરેક કર્મચારીની હિલચાલ નોંધી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આત્મવિશ્વાસ એટલો હતો કે એક પણ લૂંટારૂએ પોતાનો ચહેરો ઢાંક્યો નહોતો!
કર્મચારીની ચાલાકીએ બચાવ્યું 2 કરોડનું સોનું
લૂંટારૂઓ માત્ર 50 લાખ નહીં, પણ 2થી 3 કરોડ લૂંટવાના ઈરાદે 5 મોટી બેગ લઈને આવ્યા હતા. તેઓએ ગોલ્ડ લોન સેક્શનની તિજોરી ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 2 કરોડનું સોનું હતું. પરંતુ બેંક કર્મચારીએ “ચાવી મેનેજર પાસે છે અને તેઓ બહાર છે” તેવું જૂઠું બોલીને બુદ્ધિચાતુર્ય વાપરતા લૂંટારૂઓ માત્ર સામે દેખાતી કેશ લઈને ભાગી છૂટ્યા હતા.
સુરત પોલીસનું ‘મિશન યુપી’
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ 100 પોલીસ જવાનોની ટીમે તપાસ આદરી હતી. લૂંટમાં વપરાયેલી બાઈક કીમ પાસેના કન્યાસી ગામના ખેતરમાંથી મળી આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ છેક ઉત્તર પ્રદેશ પહોંચી અને શુભમ ઠાકુરને અયોધ્યાના એક આશ્રમમાંથી ઝડપી પાડ્યો. તેની સાથે મદદગારી કરનાર વિકાસ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.
હવે આગળ શું?
સુરત પોલીસ અત્યારે 4 રાજ્યો (યુપી, બિહાર, એમપી અને હરિયાણા) માં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને પટના જેલમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશા છે કે આગામી 48 કલાકમાં બાકીની રકમ અને અન્ય ફરાર આરોપીઓ પણ સકંજામાં હશે.






