પાંચ વર્ષની પગરખાં ત્યાગની ‘તપસ્યા’ ફળી! આ વર્ષે ટિકિટ મળી!
મંઝિલ તેમને જ મળે છે જેમના સપનામાં જાન હોય છે, પાંખોથી કંઈ નથી થતું, માત્ર હોંસલાથી ઉડાન હોય છે! આ વાત આજે વડોદરાના રાજકીય પક્ષના મહિલાએ દ્રઠ સક્લપ સાથે સાર્થક કરી બતાવી છે.સામાન્યતઃ રાજકારણમાં ટિકિટ મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે પણ વડોદરાના કોકિલાબેન પવારની વાત સાવ અલગ છે. આ કોઈ સામાન્ય નેતાની વાર્તા નથી પણ એક એવી સ્ત્રીની ગાથા છે જેણે પોતાના સંકલ્પ માટે પાંચ વર્ષ સુધી પગના તળિયા ઘસી નાખ્યા, પણ પોતાની જીદ ન છોડી!
— વર્ષ ૨૦૧૫: એક સંકલ્પનો જન્મ
વાત શરૂ થાય છે વર્ષ ૨૦૧૫માં જ્યારે ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેનને ટિકિટ ન મળી, ત્યારે તેમણે કોઈ પક્ષપલટો ન કર્યો કે કોઈ બળવો ન કર્યો. તેમણે લીધી એક અઘરી ‘બાધા’ જે સંકલ્પ પણ બન્યો અને તેમને લીધેલી માનતા મુજબ જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે ત્યાં સુધી પગમાં પગરખાંનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો.
— કાળઝાળ ગરમી, કાદવ અને ટીકાઓનો પહાડ
છેલ્લા પાંચ વર્ષમાં ઋતુઓ બદલાઈ, રસ્તાઓ બદલાયા, પણ કોકિલાબેનનો નિર્ણય ન બદલાયો હતો,ઉનાળામાં ડામરના ધગધગતા રસ્તા હોય કે ચોમાસાના કાદવ-કીચડ, કોકિલાબેન હંમેશા ઉઘાડા પગે જ જોવા મળ્યા હતા,ક્યારેકે ક્યારેક લોકોમાં હાંસીનું પાત્ર પણ બન્યા ઘણા લોકો તેમને ‘ગાંડા’ કહ્યા, કોઈકે તેને ટિકિટ મેળવવાનું નાટક ગણાવ્યું. રાજકીય ગલીઓમાં તેમની હાંસી પણ ઉડી પણ કોકિલાબેન માટે આ માત્ર જીદ નહીં પણ પક્ષ પ્રત્યેની વફાદારીની ‘તપસ્યા’ હતી.
— ૨૦૨૬: સંકલ્પ ફળ્યો અને ટિકિટ મળી!
આખરે, ૨૦૨૬ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષે તેમની આ અટલ ધીરજ અને સંકલ્પ શક્તિની કદર કરી છે. ભાજપે જ્યારે તેમની ઉમેદવારી જાહેર કરી, ત્યારે તે માત્ર એક ટિકિટ નહોતી, પણ પાંચ વર્ષના કષ્ટોની ‘પ્રસાદી’ હતી.આજે કોકિલાબેન તે જ ઉઘાડા પગે, પણ બમણા ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે. તેમનો આ કિસ્સો સાબિત કરે છે કે જો તમારો સંકલ્પ સાચો હોય અને મનોબળ મજબૂત હોય, તો ભાગ્યના દ્વાર પણ ખુલવા જ પડે છે. કોકિલાબેન પવારની આ સફર આપણને શીખવે છે કે સફળતા મેળવવા માટે માત્ર દોડવું જરૂરી નથી, ક્યારેક અટલ રહીને ‘તપસ્યા’ કરવી પણ જરૂરી છે. વડોદરાની જનતા માટે તેઓ હવે માત્ર એક ઉમેદવાર નથી, પણ ‘દ્રઢ મનોબળ’નું જીવંત ઉદાહરણ છે.
તમારો અભિપ્રાય શું છે? શું તમે આવા કોઈ અનોખા સંકલ્પ વિશે સાંભળ્યું છે? રાજકારણમાં વફાદારીનું આ સ્વરૂપ તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં તમારી રાય જરૂર જણાવજો!





