Press "Enter" to skip to content

કીડીઓની દાણચોરીનો ખુલાસો: એક રાણી કીડીની કિંમત ₹21,000 સુધી

સાવધાન! હવે કીડીઓની પણ થાય છે દાણચોરી: એક રાણી કીડીની કિંમત ₹21,000 સુધી!

સામાન્ય રીતે આપણે હાથીના દાંત, ગેંડાના શિંગડા કે પેંગોલિન જેવા પ્રાણીઓની તસ્કરી વિશે સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પગ નીચે ચગદાઈ જતી નાનકડી કીડીઓ પણ કરોડોના કાળાબજારનું કેન્દ્ર બની શકે છે? તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કીડીઓની દાણચોરીનો ગેરકાયદેસર ધંધો જોર પકડી રહ્યો છે.
તાજેતરમાં આફ્રિકન દેશ કેન્યાની રાજધાની નૈરોબીના એરપોર્ટ પર એક ચીની પ્રવાસીની બેગમાંથી આશરે 2,000 જેટલી આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓ મળી આવી હતી. આ ગુના બદલ ચીની નાગરિકને 1 વર્ષની જેલ અને 10 લાખ કેન્યાઇ શિંલિંગનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેન્યાનું ગિલગિલ નામનું કૃષિ પ્રધાન નગર અત્યારે આ ગેરકાયદેસર વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અહીં હજારોની સંખ્યામાં કીડીઓના દર આવેલા છે, જ્યાંથી તસ્કરો સ્થાનિક લોકોની મદદ લઈ કીડીઓની ચોરી કરે છે.

શા માટે થાય છે કીડીઓનો વેપાર?
1. પરંપરાગત ચિકિત્સા: આયુર્વેદ અને અન્ય પરંપરાગત પદ્ધતિઓમાં ગઠિયા (આર્થરાઇટિસ) જેવી જૂની બીમારીઓની સારવારમાં કીડીઓનો ઉપયોગ થાય છે. કીડીઓમાંથી નીકળતા ફોર્મિક એસિડનો ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે છે.
2. ઓનલાઇન માર્કેટ અને શોખ: ચીન અને યુરોપના દેશોમાં વિદેશી કીડીઓ રાખવાનો ક્રેઝ વધ્યો છે. અહેવાલ મુજબ, ચીનમાં માત્ર 6 મહિનામાં 58,000 થી વધુ કીડીઓની કોલોનીઓ ઓનલાઇન વેચાઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એક હાર્વેસ્ટર રાણી કીડીની કિંમત આશરે 220 ડોલર (ભારતીય રૂપિયામાં અંદાજે ₹21,000) જેટલી બોલાય છે. આટલી મોટી રકમની લાલચમાં સ્થાનિક લોકો વિદેશી તસ્કરોને કીડીઓ ચોરવામાં મદદ કરે છે.
જર્નલ ‘બાયોલોજિકલ કન્ઝર્વેશન’ મુજબ, ચીનમાં વેચાતી મોટાભાગની કીડીઓ સ્થાનિક નહીં પણ આફ્રિકાથી આયાત કરવામાં આવેલી હોય છે.

કુદરતના નાનામાં નાના જીવને પણ માનવીએ પોતાની લાલચનું સાધન બનાવી દીધું છે, જે પર્યાવરણની સંતુલિત કડી માટે ખતરા સમાન છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!