વડોદરા જિલ્લામાં અનોખા અને રસપ્રદ નિયમો સાથે ‘વસ્તી ગણતરી’ નો પ્રારંભ!
તમે ક્યારેય વિચાર્યું છે કે જો એક જ મકાનમાં બે ભાઈઓ અલગ-અલગ રસોડું કરીને રહેતા હોય તો વસ્તી ગણતરીના ચોપડે તેને એક ઘર ગણવામાં આવે કે બે? અથવા જો ગણતરીદાર તમારા ઘરે આવે અને તાળું મારેલું હોય તો શું થાય?
ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની રાષ્ટ્રવ્યાપી કામગીરીનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં ગણતરીદારો ‘હાઉસ લિસ્ટિંગ ઓપરેશન’ (મકાનોની યાદી તૈયાર કરવી)નું કામ કરી રહ્યા છે.વડોદરા જિલ્લામાં પણ આ કામગીરી ખૂબ જ રસપ્રદ નિયમો અને હાઈટેક ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે.વડોદરા જિલ્લાના કુલ ૨,૧૬૯ બ્લોકમાં ૨,૧૬૦ ગણતરીદારો રાત-દિવસ એક કરીને આ ભગીરથ કાર્યમાં જોડાયા છે.શરૂઆતના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન કર્મચારીઓ પોતાના વિસ્તાર (બ્લોક) થી વાકેફ થશે અને ફાળવવામાં આવેલા નકશા મુજબ ઘરોને નંબર આપશે.
— શું છે આ ‘બ્લોક સિસ્ટમ’ અને કેવી રીતે નક્કી થાય છે?
વસ્તી ગણતરીને ચોક્કસ અને સરળ બનાવવા માટે આખા જિલ્લાને નાના-નાના બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે. આ બ્લોક વિભાજન માટે બે મુખ્ય ઘટકોને ધ્યાનમાં લેવાયા છે:
વ્યક્તિઓની સંખ્યા: એક બ્લોકમાં અંદાજે ૭૫૦ થી ૮૫૦ વ્યક્તિઓ.
ઘરોની સંખ્યા: એક બ્લોકમાં આશરે ૨૦૦ થી ૨૫૦ ઘરો.
સેટેલાઇટ નકશાનો ઉપયોગ: આ વખતે ગણતરીદારોને સામાન્ય નકશા નહીં, પણ સેટેલાઇટની મદદથી ખાસ તૈયાર કરાયેલા ડિજિટલ નકશાઓ આપવામાં આવ્યા છે, જેથી એક પણ ઘર ગણતરીમાંથી છૂટી ન જાય.
— દરવાજો એક તો ઘર એક! જાણો જનગણનાના અનોખા નિયમો
જ્યારે ગણતરીદાર કોઈ ઘરે (ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં) જાય, ત્યારે ઘણી મૂંઝવણો ઊભી થતી હોય છે. આ માટે સરકારે ખૂબ જ રસપ્રદ અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે:
એક દરવાજો = એક ઘર: જો એક જ મકાનમાં બે પરિવારો રહેતા હોય પરંતુ ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર (મેઈન ગેટ) એક જ હોય, તો સરકારી ચોપડે ઘર એક જ ગણાશે અને કુટુંબ બે ગણાશે. જો પ્રવેશદ્વાર અલગ-અલગ હોય, તો ઘર પણ બે અને કુટુંબ પણ બે ગણવામાં આવશે!
પુત્રી કે બહેનનો નિયમ: જો કોઈ પરિવારમાં મોટી ઉંમરના કિસ્સામાં તેમની પુત્રી અથવા બહેન સાથે રહેતા હોય (ભલે તે ત્યક્તા કે વિધવા હોય), તો તેમને પરિવારના સભ્ય તરીકે જ ગણવામાં આવશે, પરંતુ તેમને યુગલ (કપલ) તરીકે ગણવામાં નહીં આવે.
ઘર બંધ હોય તો પાડોશી ઝિંદાબાદ: જો ગણતરીદાર તમારા ઘરે આવે અને ઘરને તાળું મારેલું હોય, તો તેઓ આસપાસના પાડોશીઓને પૂછીને પણ તમારા પરિવારની પ્રાથમિક વિગતો મેળવી શકે છે. જો ઘર તદ્દન ખાલી હોય, તો તે અંગે ડાયરીમાં ‘રિમાર્ક્સ’ લખવામાં આવશે.
— ‘EPFO 3.0’ ની જેમ જનગણનામાં પણ ડિજિટલ ક્રાંતિ: ૨૪,૦૦૦ વડોદરાવાસીઓએ કરી સ્વગણતરી!
ઇતિહાસમાં પ્રથમ વખત સરકાર વસ્તી ગણતરીમાં ટેક્નોલોજીનો આટલો મોટો ઉપયોગ કરી રહી છે. આ વખતે નાગરિકોને પોતાની વિગતો ઓનલાઇન પોર્ટલ પર જાતે જ ભરીને ‘સ્વગણના’ (Self-Enumeration) કરવાની અદભુત સુવિધા આપવામાં આવી હતી. વડોદરા જિલ્લાના જાગૃત નાગરિકોએ આમાં બાજી મારી છે અને અંદાજે ૨૪,૦૦૦ જેટલા લોકોએ ઓનલાઇન સ્વગણતરીનો લાભ લીધો છે!
હવે માત્ર નંબર આપવાનો: જે નાગરિકોએ ઓનલાઇન ફોર્મ ભરી દીધું છે, તેમણે હવે ઘરે આવતા ગણતરીદારને કોઈ લાંબી વિગતો આપવાની જરૂર નથી. તેમણે માત્ર પોતાનો ઓનલાઇન ‘નોંધણી નંબર’ (Registration Number) આપવાનો રહેશે, અને સેકન્ડોમાં કામ પૂરું થઈ જશે.
જો તમે ઓનલાઇન ગણતરી નથી કરી, તો ચિંતા કરવાની જરૂર નથી. ગણતરીદાર તમારા ઘરે રૂબરૂ આવીને તમને ૩૪ પ્રકારના મહત્વના પ્રશ્નો પૂછશે, જેના સાચા જવાબો આપીને તમારે દેશના આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવાનું રહેશે. તો ચાલો, વડોદરાને ડિજિટલ અને સચોટ ગણતરીમાં અગ્રેસર બનાવીએ!






Be First to Comment