જાણવા જેવું! નો નેટવર્ક, નો ટેન્શન! હવે સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ થશે સ્માર્ટફોન!
ભારતમાં D2D ટેકનોલોજીની એન્ટ્રીની પ્રબળ સંભાવના
જરા વિચારો, તમે હિમાલયના કોઈ બરફીલા પહાડ પર છો અથવા ગીરના કોઈ ગાઢ જંગલમાં ટ્રેકિંગ કરી રહ્યા છો અને અચાનક મોબાઈલમાંથી નેટવર્ક ગાયબ થઈ જાય છે અને ‘No Service’ લખેલું આવે ત્યારે..આવા સમયે મનમાં ફફડાટ થવો સ્વાભાવિક છે પરંતુ બહુ જલ્દી આ ચિંતા ભૂતકાળ બની જશે ટેલિકોમ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ભારત સરકાર દેશમાં ‘ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ’ (D2D) સેટેલાઇટ કનેક્ટિવિટી લાવવા માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.આ ટેકનોલોજી આવ્યા પછી તમારા ફોનને નેટવર્ક આપવા માટે જમીન પર રહેલા મોબાઈલ ટાવરની જરૂર નહીં પડે, તમારો ફોન સીધો આકાશમાં ફરતા સેટેલાઇટ સાથે વાત કરશે! આ મોટી ક્રાંતિ વચ્ચે દુનિયાની બે સૌથી મોટી દિગ્ગજ ટેક કંપનીઓ એપલ (Apple) અને ગૂગલ (Google) એ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) પાસે આ સેવાના નિયમો અંગે કેટલીક મહત્વની સ્પષ્ટતાઓ માંગી છે.
— શું છે આ D2D ટેકનોલોજી અને તે કેવી રીતે કામ કરશે?
D2D એટલે કે ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ સામાન્ય રીતે સેટેલાઇટ ફોન બહુ મોટા અને એન્ટેનાવાળા હોય છે પરંતુ આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તમારા હાથમાં રહેલા સામાન્ય સ્માર્ટફોનને જ સીધો પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહો સાથે કનેક્ટ કરી શકાશે.ભારતના એવા દુર્ગમ પર્વતીય વિસ્તારો, દરિયાઈ સરહદો કે ગાઢ જંગલો જ્યાં મોબાઈલ ટાવર નાખવા અશક્ય છે ત્યાં પણ સેટેલાઇટ દ્વારા પળવારમાં કનેક્ટિવિટી મળી જશે પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી કુદરતી આફતોમાં જ્યારે મોબાઈલ ટાવરો પડી ભાંગે છે ત્યારે આ સેટેલાઇટ નેટવર્ક દ્વારા ઈમરજન્સી SOS મેસેજ મોકલી શકાશે અને લોકેશન શેર કરીને જીવ બચાવી શકાશે.
— એપલ અને ગૂગલની ચિંતા શું છે? જાણો ટેકનિકલ પડકારો
આ ટેકનોલોજી સાંભળવામાં જેટલી રોમાંચક લાગે છે તેને જમીન પર ઉતારવી એટલી જ જટિલ છે. ટેક કંપનીઓએ સરકાર સામે કેટલાક એન્જિનિયરિંગ પડકારો રજૂ કર્યા છે જમીન પરના ટાવર કરતાં સેંકડો કિલોમીટર દૂર અવકાશમાં રહેલા સેટેલાઇટ સુધી સિગ્નલ મોકલવા માટે ફોનને વધુ પાવર વાપરવો પડે છે આનાથી ફોનની બેટરી ખૂબ ઝડપથી ઉતરી શકે છે.આજના સ્માર્ટફોન એકદમ સ્લિમ એટલે કે પાતળા હોય છે. સેટેલાઇટના નબળા સિગ્નલ ઝીલી શકે તેવા પાવરફુલ એન્ટેનાને ફોનની અંદર ફિટ કરવા માટે જગ્યા ખૂબ ઓછી પડે છે. યુઝર જ્યારે નોર્મલ 4G/5G નેટવર્કમાંથી સેટેલાઇટ નેટવર્કમાં જાય ત્યારે કોઈ અડચણ વગર સ્મૂધ ટ્રાન્ઝિશન થાય તે મોટો પડકાર છે.
— વૈશ્વિક ધોરણો અને એપલની સરકારને સલાહ
એપલ કંપની અત્યારે વૈશ્વિક સ્તરે પોતાના આઈફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર આપે છે. એપલે ભારત સરકારને વિનંતી કરી છે કે આ ટેકનોલોજી માટે ભારતમાં કોઈ અલગ કે સ્થાનિક નિયમો ન બનાવવામાં આવે.જો ભારત સરકાર હાર્ડવેરમાં ફેરફાર કરવાની કે નવા પ્રમાણપત્રો લેવાની શરતો લાદશે, તો કંપનીઓએ ખાસ ભારત માટે ફોનની ડિઝાઇન બદલવી પડશે,જે ગ્રાહકો માટે પણ ફોન મોંઘા બનાવી શકે છે. એપલ ઈચ્છે છે કે વૈશ્વિક સ્ટાન્ડર્ડ મુજબ જ ભારતમાં પણ મંજૂરી મળે.અલબત્ત ભારત સરકાર અને ગ્લોબલ ટેક કંપનીઓ અત્યારે વચલો રસ્તો શોધી રહી છે. આ ટેકનોલોજી આવનારા સમયમાં ભારતના ટેલિકોમ સેક્ટરનો ચહેરો બદલી નાખશે તેમાં કોઈ શંકા નથી!





Be First to Comment