Press "Enter" to skip to content

રખડતા શ્વાનો પર કડક વલણ: સુપ્રીમ કોર્ટના નવા નિયમો શું કહે છે?

બીમાર અને અત્યંત હિંસક રખડતા શ્વાનને હવે આપી શકાશે ‘દયા મૃત્યુ’

દેશભરમાં રસ્તાઓ પર રખડતા શ્વાનોનો આતંક અને માસૂમ બાળકો પર થતા જીવલેણ હુમલાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે.આ ગંભીર મુદ્દે આજે સર્વોચ્ચ અદાલતે (Supreme Court) એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે દેશની કાયદાકીય સ્થિતિ અને નાગરિકોની સુરક્ષાની વ્યાખ્યા બદલી નાખશે.જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ત્રણ સભ્યોની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘માણસના જીવનનું રક્ષણ કરવું એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે’ અદાલતે જાહેર સ્થળો પરથી શ્વાનોને હટાવવાના આદેશ સામેની તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે.

— ચુકાદાની સૌથી મોટી વાતો..શું બદલાશે હવે?

દયા-મૃત્યુની મંજૂરી આપવામાં વી છે,હડકવા જેવા અસાધ્ય રોગથી પીડાતા, પાગલ અથવા અત્યંત હિંસક બની ચૂકેલા શ્વાનોને કાયદાકીય માર્ગદર્શિકા હેઠળ ઇન્જેક્શન આપીને દયા-મૃત્યુ આપી શકાશે. જાહેર સ્થળો પરથી શ્વાનને હટાવવાનો આદેશ યથાવત રાખ્યો હતો ગત નવેમ્બર ૨૦૨૫ના આદેશ મુજબ શાળા હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન જેવા ગીચ સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવીને એનિમલ શેલ્ટર હોમમાં રાખવાના રહેશે. તેમને ફરીથી સાર્વજનિક સ્થળો પર છોડી શકાશે નહીં આ સાથે જ રસ્તાઓ પર શ્વાનોને ગમે ત્યાં ખવડાવવા પર કડક પ્રતિબંધ રહેશે.

— દેશના ભયાનક આંકડા જોઈ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

સુનાવણી દરમિયાન અદાલતે દેશના જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિ ટાંકી હતી,તમિલનાડુમાં ચાલુ વર્ષના શરૂઆતના 4 મહિનામાં જ અંદાજે ૨ લાખ શ્વાન કરડવાના કેસ નોંધાયા! જયારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં માત્ર એક જ મહિનામાં ૧,૦૮૪ કેસ સામે આવ્યા, જેમાં બાળકોના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી તો ગુજરાતના સુરતમાં પ્રવાસે આવેલા એક જર્મન નાગરિકને રખડતા શ્વાને બચકું ભર્યું હતું. કોર્ટે નોંધ્યું કે આવી ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરી પ્રશાસન પરથી લોકોનો વિશ્વાસ નબળો પાડે છે.

— સર્વોચ્ચ અદાલતના કડક દિશા-નિર્દેશો

નાગરિકોના ગરિમાપૂર્ણ અને ભયમુક્ત જીવન જીવવાના અધિકાર માટે કોર્ટે નીચે મુજબના આદેશો આપ્યા છે:

– દરેક જિલ્લામાં પૂરતી સુવિધાવાળું Animal Birth Control સેન્ટર હોવું અનિવાર્ય

– દેશની તમામ હોસ્પિટલોમાં એન્ટી-રેબીઝ (હડકવા વિરોધી) રસીનો પૂરતો જથ્થો હંમેશા હાજર રાખવો પડશે

– નેશનલ હાઈવે (NHAI) પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો રોકવા માટે વિશેષ મોનિટરિંગ કમિટી બનશે

– જો રખડતા શ્વાનના હુમલામાં કોઈ નાગરિકને ઈજા થાય કે મોત નીપજે, તો સ્થાનિક નગરપાલિકાની સાથે-સાથે તે શ્વાનને સાર્વજનિક જગ્યાએ નિયમિત ખવડાવનાર (ડોગ ફીડર્સ) ની આર્થિક અને કાનૂની જવાબદારી પણ નક્કી થઈ શકશે!

— ‘અમારી વાતને મજાકમાં ન લો, અમે ગંભીર છીએ’

આ મામલો જુલાઈ ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે જાતે (સુઓમોટો) હાથમાં લીધો હતો. છેલ્લી આઠ સુનાવણીઓ દરમિયાન ઘણા પક્ષોએ શ્વાનોનો બચાવ કરવાની કોશિશ કરી હતી પરંતુ જસ્ટિસ નાથે સ્પષ્ટ કર્યું કે શ્વાનો માણસનો ડર ઓળખીને હુમલો કરતા હોવાથી કડક નિયમો જનહિતમાં અનિવાર્ય છે. કોર્ટે અધિકારીઓને ચેતવણી આપી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે અદાલતી અવમાનનાનો કેસ ચલાવાશે અલબત્ત પ્રાણીઓ પ્રત્યે દયા જરૂરી છે, પરંતુ મનુષ્યની સુરક્ષા અને જીવનું જોખમ આપીને નહીં. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દેશના શહેરો અને ગામડાઓને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં મોટું પગલું છે.

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!