વિપક્ષ મુક્ત કોર્પોરેશન? શું છે આ ‘માવળંકર રૂલ’ અને કેમ કોંગ્રેસના માથે તોળાઈ રહ્યું છે સંકટ? જાણવા જેવું!
ગુજરાતની ૧૫ મહાનગર પાલિકાઓમાં ભાજપનો કેસરીયો તો લહેરાઈ ગયો પણ આ જીતે કોંગ્રેસ માટે એક નવો ‘ધર્મસંકટ’ ઊભો કર્યો છે. ૧૫ માંથી ૧૦ મહાનગરોમાં કોંગ્રેસ પાસે હવે વિરોધ પક્ષના નેતાનું પદ (LOP) પણ નહીં રહે તેવી પૂરેપૂરી શક્યતા છે!
— શું છે ‘માવળંકર રૂલ’ (Mavalankar Rule)?
આ નિયમનો ઇતિહાસ આઝાદી જેટલો જૂનો છે. ૧૯૫૧માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવળંકરે એક સિદ્ધાંત આપ્યો હતો કે ‘કોઈપણ પક્ષને વિરોધ પક્ષ તરીકેની માન્યતા અને તેના નેતાને ‘વિરોધ પક્ષના નેતા’નું પદ ત્યારે જ મળે જો તે પક્ષ પાસે ગૃહની કુલ બેઠકોના ઓછામાં ઓછા ૧૦ ટકા બેઠકો હોય. સરળ શબ્દોમાં સમજીએ તો જો કોઈ કોર્પોરેશનમાં ૭૬ બેઠકો હોય તો વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા ૮ કોર્પોરેટરો હોવા જરૂરી છે.
— ક્યાં છીનવાશે કોંગ્રેસનો ‘વિપક્ષ’નો હોદ્દો?
વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં કોંગ્રેસ આ ૧૦ ટકાના આંકડા સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહી છે પરિણામે વિરોધ પક્ષના નેતાને મળતી અલાયદી ઓફિસ, સરકારી ગાડી અને સ્ટાફની સુવિધા છીનવાઈ શકે છે.સત્તાવાર પદ વગર ગૃહમાં વિપક્ષ તરીકે રજૂઆત કરવામાં અને બજેટ પર ચર્ચા કરવામાં મુશ્કેલી પડી શકે છે.વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, નડિયાડ, નવસારી, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને મહેસાણામાં છીનવાશે કોંગ્રેસનો ‘વિપક્ષ’નો હોદ્દો!
— ક્યાં હજુ ‘હાથ’ સલામત છે?
અમદાવાદ, ભાવનગર, આણંદ, વાપી અને ગાંધીધામ મહાનગર પાલિકાઓમાં કોંગ્રેસે ૧૦ ટકાથી વધુ બેઠકો મેળવી હોવાથી ત્યાં તેમને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે.
— ઉદારતા વિરુદ્ધ નિયમ: ઇતિહાસ શું કહે છે?
એક સમય હતો જ્યારે ૧૯૯૫માં રાજકોટમાં ભાજપ પાસે જંગી બહુમતી હતી અને કોંગ્રેસ પાસે માત્ર ૧ બેઠક હતી છતાં ભાજપે લોકશાહીના મૂલ્યો જાળવીને ઉદારતાથી વિપક્ષનું પદ આપ્યું હતું પણ આજના બદલાતા રાજકારણમાં હવે ‘નિયમોનું પાલન’ એ જ પ્રાથમિકતા બની ગઈ છે.વિપક્ષ વગરની લોકશાહી એ સુકાન વગરની હોડી જેવી છે જો કોંગ્રેસ સત્તાવાર પદ ગુમાવશે તો સામાન્ય જનતાના પ્રશ્નો મનપાના બોર્ડમાં કોણ ઉઠાવશે? શું ભાજપ ફરી ઉદારતા દાખવશે કે પછી ‘વિપક્ષ મુક્ત’ બોર્ડ જોવા મળશે? આ એક મોટો સવાલ છે!
શું ૧૦ ટકાનો નિયમ હોવો જોઈએ? શું વિપક્ષના પદ વગર જનતાનો અવાજ રજૂ થઈ શકશે? તમારી રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો!







Be First to Comment