પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચવી પડી ભારે!
વડોદરામાં ‘શિવાની મેડિસિન’નું લાયસન્સ કાયમી રદ!
વડોદરામાં ડ્રગ્સ અને નશાકારક દવાઓના દૂષણને ડામવા માટે તંત્ર એક્શન મોડમાં છે.ખાસ કરીને યુવાધનને નશાની ગર્તામાં ધકેલતી સાઇકોટ્રોપિક દવાઓના ગેરકાયદે વેચાણ સામે લેવાયેલા આ કડક નિર્ણયથી કેટલાક દવા માફિયાઓ ફફડી ઉઠ્યા છે.વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ચાલતા નશાના કાળા કારોબાર પર વડોદરા ખોરાક અને ઔષધ નિયામક તંત્રએ લાલ આંખ કરી છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા મેડિકલ સ્ટોર સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
— શું હતો સમગ્ર મામલો?
નવાયાર્ડ સ્થિત મેસર્સ શિવાની મેડિસિન નામની દુકાનમાં લાંબા સમયથી સાઇકોટ્રોપિક અને નશાકારક દવાઓનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને નીચે મુજબની ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી પ્રિસ્ક્રિપ્શન વગર નિટ્રાઝેપામ અને એલ્પ્રાઝોલામ જેવી માનસિક અસરકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું.આ સાથે નશા માટે વપરાતી કોડિન યુક્ત દવાઓ જેવી કે PB-REX અને BESCODEX નો જથ્થો કોઈ પણ રેકોર્ડ વગર વેચવામાં આવતો હતો.ઉલ્લેખનીય છે કે,આ મેડિકલ સ્ટોર અગાઉ ૨૦૧૯ અને ૨૦૨૧માં પણ પકડાયો હતો પરંતુ વારંવારની ચેતવણી છતાં સુધારો ન આવતા આખરે તંત્રએ ‘બ્રહ્માસ્ત્ર’ ઉગામ્યું છે ત્યારે આદતથી મજબૂર વેપારીની દવાની દુકાનના શટર પર કાયમ માટે તાળા લાગી ગયા છે.
— આ દવાઓ કેમ છે ખતરનાક?
તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ દવાઓની જીવલેણ સાઇડ ઇફેક્ટ્સ છે:
નશાની લત: યુવાનો આ દવાઓનો ઉપયોગ નશા તરીકે કરવા લાગે છે.
શ્વાસની તકલીફ: વધુ પડતા ડોઝથી શ્વાસ લેવામાં ગંભીર અવરોધ ઉભો થઈ શકે છે.
માનસિક અસર: લાંબા ગાળે વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી શકે છે અથવા જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
— તંત્રનો કડક સંદેશ: લાયસન્સ કાયમી રદ!
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા અને વારંવારના ગુનાઓને ધ્યાનમાં રાખીને, શિવાની મેડિસિનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી અન્ય મેડિકલ સ્ટોર્સ માટે પણ એક ચેતવણી સમાન છે.નશો એ માત્ર વ્યક્તિને જ નહીં, પણ આખા પરિવારને બરબાદ કરે છે. જો તમારા વિસ્તારમાં કોઈ મેડિકલ સ્ટોર કે વ્યક્તિ આવી નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ડ્રગ્સ વિભાગને જાણ કરો. તમારી એક જાગૃતિ કોઈનું જીવન બચાવી શકે છે!
શું તમે માનો છો કે આવા નશાના વેપારીઓ સામે માત્ર લાયસન્સ રદ કરવા સિવાયની ફોજદારી સજા પણ થવી જોઈએ? કોમેન્ટમાં તમારી રાય જણાવો!






