ઓડિશામાં સ્વાસ્થ્ય ક્રાંતિ: ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ
લોકોના જાહેર સ્વાસ્થ્યને સર્વોપરી ગણીને ઓડિશા સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. 21 જાન્યુઆરીએ જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ, હવે સમગ્ર રાજ્યમાં આવા ઘાતક પદાર્થોનું વેચાણ ગુનો ગણાશે. સરકારે આ કડક નિર્ણય સુપ્રીમ કોર્ટ અને FSSAI દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સના આધારે લીધો છે.
શું છે પ્રતિબંધની વિગતો?
ગુટખા, પાન મસાલા (નિકોટિન યુક્ત), જર્દા, ખૈની અને અન્ય તમાકુયુક્ત ચાવવાના પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર હવે સદંતર પ્રતિબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ કે વેપારી આ નિયમનો ભંગ કરશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નિર્ણય પાછળનું મુખ્ય કારણ :-
ઓડિશામાં વર્ષ 2013માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ અન્ય રાજ્યોમાંથી આ ઉત્પાદનોની હેરાફેરી થતી હોવાને કારણે તેનો કડક અમલ થઈ શક્યો ન હતો. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 11 વર્ષમાં તમાકુના વેચાણથી સરકારને અંદાજે 6596 કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ 2024-25માં જ આ આવક વધીને 1048 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જોકે, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની સરકારે આવક કરતા લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપીને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, તમાકુના સેવનથી મોઢાના કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને યુવા પેઢીને નશાની લતમાંથી બચાવવા અને રાજ્યમાં લોકોનું સરેરાશ આયુષ્ય વધારવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.
અમલીકરણનો પડકાર
સરકાર સામે હવે સૌથી મોટો પડકાર આ પ્રતિબંધનું ચુસ્તપણે અમલીકરણ કરાવવાનો અને પાડોશી રાજ્યોમાંથી થતી ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાનો છે. આ માટે ખાસ ટાસ્ક ફોર્સ અને પોલીસની મદદ લેવામાં આવશે તેવી શક્યતા છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યને ‘તમાકુ મુક્ત ઓડિશા’ બનાવવાના અભિયાનમાં સહભાગી બને.






