વડોદરાના રાજકીય ઇતિહાસના એક યુગનો અંત! માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા)નું નિધન
ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઇ
વડોદરાની જનતાના હૃદયમાં વસતા અને સતત ૮ ટર્મ સુધી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ નેતા યોગેશ પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા યોગેશ કાકાએ વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે તેમના નિધનના સમાચારથી સમગ્ર વડોદરા સહિત ગુજરાતના રાજકારણમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે.અગાઉ માર્ચ ૨૦૨૬માં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ આ બીજી મોટી ખોટ ગુજરાતના રાજકારણને પડી છે.
— સતત ૮ ટર્મ અને ૩૬ વર્ષ! એક અપ્રતિમ રાજકીય સફર
યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતોપૂર્વ લોકચાહના ધરાવતા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ તેમના નામે અંકિત છે,શરૂઆતમાં રાવપુરા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો ત્યારબાદ સીમાંકન બદલાયા અને પછી તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ૨૦૨૨ સહિતની ચૂંટણીઓમાં જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા છે તેઓ વિજય રૂપાણીની સરકારમાં રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા.
— જનતા માટે પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનાર ‘નિડર નેતા’
લોકો તેમને વહાલથી ‘કાકા’ ના હુલામણા નામે ઓળખતા હતા.યોગેશ કાકા માત્ર પક્ષના નેતા નહોતા પણ સાચા અર્થમાં જનપ્રતિનિધિ હતા.વડોદરાના સ્થાનિક પ્રશ્નો જેમ કે રસ્તા,પાણી, અને ડ્રેનેજની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં ક્યારેય અચકાતા નહીં.વહીવટી શિથિલતા સામે મુખ્યમંત્રીને પત્રો લખીને સચોટ રજૂઆતો કરવાની તેમની નિડર શૈલીને કારણે જનતામાં તેમનો ભારે આદર હતો.
— મોંઘવારી અને ફી વધારા સામે ઐતિહાસિક આંદોલનો
તેમનો રાજકીય ઉદય જનતાના પ્રશ્નોની લડતમાંથી થયો હતો.૩ જૂન ૧૯૭૮ના રોજ દૂધના ભાવમાં માત્ર ૧૦ પૈસાનો વધારો થતાં તેમણે ઉગ્ર આંદોલન છેડ્યું હતું. આ આંદોલન દરમિયાન અમદાવાદી પોળના દૂધ કેન્દ્રને આગ ચાંપતી વેળાએ તેઓ સખત રીતે દાઝી પણ ગયા હતા.ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શાળાઓની ઉઘાડી લૂંટ સામે તેમણે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું જેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા અને સરકારને ફી નિયમનનો કાયદો લાવવાની ફરજ પડી હતી.
— મૂળ વ્યવસાય ફરાસખાનાનો અને સ્વામીજીની એ ટોપી-કોટી
યોગેશ કાકાનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો હતો. ૧૯૯૦ પહેલાં સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે એક સોમવારે સ્વામીજીએ તેમને મજાકમાં કોટી અને ટોપી પહેરાવીને કહ્યું હતું, ‘નેતા જેવા લાગે છે ને? ચૂંટણી લડો’ ત્યારથી તેઓ ચૂંટણી કે ચોક્કસ સમયે સ્વામીજીએ આપેલી એ જ કોટી પહેરતા અને ટોપી હંમેશા ખિસ્સામાં રાખતા હતા.ત્યારબાદ 1990માં તેઓ જનતા પાર્ટીની ટિકિટ પર રાવપુરા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ૧૯૯૫માં ભાજપમાં જોડાયા હતા.
— મેનકા ગાંધી સાથે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ
સંજય ગાંધીના અવસાન બાદ જ્યારે મેનકા ગાંધી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે યોગેશ પટેલ તેમને વડોદરા લાવ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરી હિંમત આપી હતી.આ જ કારણે મેનકા ગાંધી તેમને પોતાના ભાઈ માનતા હતા અને દર રક્ષાબંધને રાખડી મોકલતા હતા જ્યારે ભાજપમાં બે વખત યોગેશ કાકાની ટિકિટ કાપવાના પ્રયાસો થયા ત્યારે મેનકા ગાંધીએ દિલ્હી સ્તરે રજૂઆત કરીને પોતાનું ઋણ અદા કર્યું હતું.
— સંસ્કૃતિ અને ઉત્સવોના રખેવાળ
રાજકારણ ઉપરાંત વડોદરાની સંસ્કૃતિ,ખાસ કરીને નવરાત્રી અને ગણેશોત્સવમાં તેમની સક્રિય ભૂમિકા રહેતી. વડોદરાની શાન સમાન ‘શિવજી કી સવારી’ને ભવ્ય સ્વરૂપ આપીને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવામાં યોગેશ કાકાનો સિંહફાળો હતો.વડોદરાએ આજે પોતાનો એક સાચો સપૂત,નિડર સેવક અને વડીલ ગુમાવ્યા છે અને એ સાથે જ વડોદરાના એક સુવર્ણ રાજકીય યુગનો અંત આવ્યો છે.





Be First to Comment